મહંતસ્વામીની એક હાકલ અને નામ નોંધાવવા પડાપડી થઈ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવાની કામગીરી છેલ્લાં બે વર્ષથી ચાલતી હતી. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ઉજવણી કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેમાંય વળી BAPSના વડા મહંતસ્વામીએ દિવાળી અને બેસતું વર્ષ તો નગરમાં જ ઊજવવા તેવી આજ્ઞા કરી હતી.આ આજ્ઞાના પગલે ગુજરાતભરમાંથી હરિભક્તોએ નગરમાં સેવામાં આવવા માટે નામ નોંધણી કરાવવા માટે પડાપડી કરી મૂકી હતી. પરંતુ વ્યવસ્થાને ધ્યાનમાં લઇને ઘણા હરિભક્તોને ના પાડવામાં આવી હતી. તેમને પછીની સેવામાં આવવા માટે જણાવવામાં આવ્યું છે. દિવાળીટાણે નગરમાં 14 હજાર જેટલા હરિભક્તો હતા, જેમણે તહેવારોની ઉજવણી કરવાની સાથોસાથ પ્રમુખસ્વામી નગર ઊભું કરવા માટે વિવિધ પ્રવૃત્તિમાં સેવા આપી હતી. આ હરિભક્તો 31મી ઓક્ટોબર સુધી રોકાયા હતા અને પછી બીજાનો વારો સેવામાં આવ્યો હતો.
રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા હરિભક્ત અલ્પેશ પટેલે શતાબ્દી મહોત્સવ માટે પોતાની 27 વીઘા જમીન સેવા માટે આપી છે. પોતાને આ અનોખો સેવાનો અવસર મળ્યો અને બાપાનો રાજીપો તેમના પર છે એમ માનીને તેમણે આ કાર્ય કર્યું છે. એટલું જ નહીં, નજીકમાં જ પોતાનો છ બેડરૂમવાળો બંગલો સંતોને ઉતારા માટે આપીને તે પોતે અત્યારે બે બેડરૂમના મકાનમાં ભાડે રહેવા ગયા છે. અલ્પેશભાઈના પરિવારના ચાર લોકો સાથે તેમનાં 83 વર્ષના માતા પણ પોતાના પુત્રના આ નિર્ણયથી ખુશ છે. અલ્પેશભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સેવા કરવાથી બહુ સુખી રહેવાય છે, આધ્યાત્મિક રહી શકાય છે. અમારે કોઈ કૌટુંબિક પ્રશ્ન નથી અને પરિવારમાં બધા શાંતિ રહે છે અને જીવનમાં કોઈપણ વિપરીત સમયમાં માનસિક બેલન્સ જળવાઇ રહે છે.
‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા આ જન્મ શતાબ્દી મહોત્સવની સૌથી ખાસ બાબત તેનું ઝીરો કોસ્ટિંગ આયોજન છે. એટલે કે, દાન અને સમર્પણની ભાવનાથી યોજાઈ રહેલા આ મહોત્સવમાં જમીનથી માંડીને તમામ સીધું-સામાન હરિભક્તો અને સેવાભાવી લોકોએ નિઃશુલ્ક આપ્યું છે. બીજી તરફ 50 હજારથી વધુ હરિભક્તો અને સ્વયંસેવીઓ બે મહિના કરતાં વધુ સમયથી આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં શ્રમદાન કરી રહ્યા છે. ‘રિ-યુઝ’ના કન્સેપ્ટ પર આ આખું નગર ઊભું કરવામાં આવ્યું છે અને મહોત્સવ પૂર્ણ થયા બાદ એકેએક ચીજનું દાન કરી દેવાશે અથવા જેણે યોગદાન આપ્યું છે તેને પરત કરી દેવામાં આવશે. આટલા વિશાળ સ્તરના મહોત્સવનું ‘ઝીરો કોસ્ટિંગ’ કન્સેપ્ટ પર આયોજન કરવા બદલ તેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાશે તે નિશ્ચિત છે.
સ્વયંસેવકો માટે બે ભોજનશાળા-બે હોસ્પિટલ
આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખ્ખો હરિભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડશે. જો કે આ મહોત્સવમાં 50 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે. તેમના માટે સંસ્થા તરફથી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ નગરમાં સેવા કરનારા સ્વંયસેવકો માટે બે ભોજનશાળા તથા બે હોસ્પિટલો પણ ઊભી કરવામાં આવશે. તેની સાથે સાથે દેશ અને દુનિયામાંથી જોવા આવનારાઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરાઇ છે. જેમ પ્રમુખસ્વામી નગર માટે ખેડૂતો, વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ જમીન આપી છે. તે જ રીતે હરિભક્તોના રહેવા માટે બિલ્ડરો તરફથી પણ મકાનો આપીને સેવા કરી છે. આ મકાનોમાં બહારગામથી આવતા હરિભક્તોને 24 કલાક માટે ઉતારો આપવામાં આવશે. તેના માટે નોંધણી કરાવનાર હરિભક્તોને જ ઉતારા આપવામાં આવશે.
સેવા કરવા હરિભક્તોએ નોકરીઓ છોડી
આ મહોત્સવમાં સેવાનો લાભ લઈને જીવનને ધન્ય બનાવી દેવા સાથે મહંતસ્વામી તથા સદગુરુ સંતોનો રાજીપો મેળવી લેવા માટે હરિભક્તોમાં પડાપડી છે. સેવા માટે આવેલી દરેક વ્યક્તિની જુદી જુદી વાતો છે. દરેક વાત સાંભળનાર અને જાણનારાઓને અચંબા અને આશ્ચર્યમાં મૂકી દે એવી છે, પરંતુ કોઈના મન પર લગીરે નિરાશા નથી. બધામાં ઉત્સાહની સાથોસાથ મનમાં એક જ વાત છે કે પ્રમુખસ્વામી મહારાજની સેવા કરીને ઋણ અદા કરવું છે અને ગુરુ હરિ મહંતસ્વામીનો રાજીપો મેળવવો છે. આવા કંઈ-કેટલાયે સેવાર્થીઓમાંથી દિવ્ય ભાસ્કરે ત્રણ મહિલા સહિત કુલ સાત લોકો સાથે વાત કરી હતી. તેમની વાતો અહીં રજૂ કરી છે, જેમાં કેન્યાથી આવેલા એનઆરઆઈ, ગુજરાતના સાયન્ટિસ્ટ, શિક્ષક, ડોક્ટર સહિતનાની ભક્તિનું વર્ણન કર્યું છે. આમાં ઘણાએ તો પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી હતી તો ઘણા પોતાનો ધીકતો ધંધો માણસોના ભરોસે મૂકીને સેવા કરવા આવ્યા છે.